ભિક્ષુ અખંડ આનંદ ટ્રસ્ટ અમદાવાદ
સંસ્થાનો પરિચય
અખંડ આનંદ માસિકનું પ્રકાશન સને-૧૯૪૭ ના નવેમ્બર માસમાં શરૂ કરવામાં આવ્યું. શરૂઆતથી જ જનતાનો સારો આવકાર મળ્યો જનતાને શ્રેષ્ઠ વાંચન સસ્તી કિંમતે આપવું તે સ્વામીજીના સિધ્ધાંતને અનુરુપ અખંડ આનંદ માસિકનું પ્રકાશન શરૂ કરવામાં આવેલ. અખંડ આનંદ માસિક એટલું બધું લોકપ્રિય બન્યુ કે પ્રત્યકે ગુજરાતી કુટુંબમાં હોશે હોશે વંચાતુ તેમજ પરદેશમાં વસતા ગુજરાતીઓને તો સ્વદેશ સાથે જોડતી એક કિંમતી સાંકળરૂપ થઈ પડયું દરમહિને ખુબજ મોટો અને બહોળો વાચકવર્ગ તેનો લાભ લેતો તેમ કહી શકાય. અખંડ આનંદમાં આવતા ધર્મ અને તત્વજ્ઞાનના લેખો, વાર્તાઓ, કટાક્ષના લેખો, જ્ઞાનગોષ્ઠિ, ગૃહગંગાના તીરે, સંચય અને સંકલન વિગેરેના વિભાગો લોકપ્રિય નીવડયા છે.
અખંડ આનંદની વાંચન સામગ્રી ગુજરાતના પ્રતિષ્મિઠ અને પ્રસિધ્ધ લેખકોની કલમ દ્રારા તૈયાર થાય છે. શરૂઆતથીજ તેમાં દરેક વિષયના લખાણનું ઉચ્ચ ધોરણ જાળવી રાખવાનાં બનતાં પ્રયત્નો થતાં રહ્યાં છે. સંસ્થાને ગુજરાતના તેમજ ભારતના ઘણાં લેખકો, તત્વચિંતકો, સમાજસેવકો અને શુભેચ્ચછકોનો સહકાર મળતો રહ્યો છે. ગુજરાતના મોટાભાગના પ્રસિધ્ધ લેખકોની તેમજ સંતભકતોની કૃતિઓ અખંડ આનંદમાં પ્રસિધ્ધ થાય છે. નવેમ્બર-૧૯૪૭ માં ભિક્ષુ અખંડ આનંદની સ્મૃતિમાં અખંડ આનંદ માસિક સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટે શરૂ કરેલ. ૪૨-વર્ષો બાદ આ પ્રતિષ્ઠિત માસિકનું પ્રકાશન જુન-૧૯૯૦ થી ફેબ્રુઆરી-૧૯૯૧ ના ૮-માસ સુધી કેટલાક અસાધારણ સંજોગોમાં બંધ કરવું પડેલું. ત્યારબાદ શ્રી એચ. એમ. પટેલની અધ્યક્ષતા તેમજ માર્ગદર્શન હેઠળ ભિક્ષુ અખંડ આનંદ ટ્રસ્ટની રચના કરવામાં આવેલ અને ભિક્ષુ અખંડ આનંદ ટ્રસ્ટ દ્રારા માર્ચ-૧૯૯૧ થી અખંડ આનંદ માસિક પુનઃ જનસમૂહને સુલભ કરાયેલ. સને-૧૯૯૩ માં શ્રી એચ.એમ.પટેલના અવસાન બાદ શ્રી આનંદભાઈ અમીનની અધ્યક્ષતા હેઠળ અખંડ આનંદનું પ્રકાશન નિયમિત રીતે દરમાસે થતું આવ્યું છે. હાલનાં અખંડ આનંદના ટ્રસ્ટીશ્રીઓ શ્રી હર્ષદભાઈ શાહ, શ્રી પરેશભાઈ અમીન, શ્રી પ્રશાંતભાઈ અમીન, શ્રી પી. કે. લહેરી અને શ્રી સેવંતીલાલ શાહ દ્રારા અખંડ આનંદ માસિકનું સંચાલન થઈ રહ્યું છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી ૩૧માં વર્ષમાં પ્રવેશી ચુકયું છે.