સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ - અમદાવાદ
સંસ્થાનો પરિચય
મૂલ્યનિષ્ઠ અને જીવનલક્ષી વાંચનની દ્રષ્ટિએ દાયકાઓથી બૃહદ ગુજરાતના હજારો હજારો કુટુંબોમાં સ્વજનસમું બની રહેલું સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયની સ્થાપના ઈ.સ.૧૯૦૭ માં થયેલ અને ૧૧૫ વર્ષ પુરા કરી ૧૧૬ મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.
ભિક્ષુ અખંડાનદે મુંબઈ મુકામે ઈ.સ.૧૯૦૭ માં અક્ષયતૃતીયા (૧૫મી મે) ના દિવસે સસ્તુ સાહિત્યનો આરંભ કર્યો એની પાછળ પણ એક કથા રહેલી છે. પૂર્વાશ્રમમાં બોરસદના લલ્લુભાઈ જગજીવનદાસ ઠક્કર અઠ્ઠાવીસ વરસની તરુણ વયે ઈ.સ.૧૯૦૪ માં શિવાનંદ સ્વામી પાસે સંન્યસ્ત દીક્ષા લીધી તે પછી અખંડાનંદ યાત્રા અને આરંભિક સ્વાધ્યાયને અંતે તેઓ હિમાલય ભણી જવા વિચારતા હતા એવામાં એકવાર મુંબઈમાં એકાદશ સ્કંધને ગીતા સરખાં ધર્મપુસ્તકો લેવા જતાં તે ઘણાં મોંઘા જણાયું એટલે એમને એવો તો ધક્કો લાગ્યો કે હિમાલય યાત્રા મોકૂફ રાખી સર્વ સુલમ સોંઘા પ્રકાશનો કરવાનો સંકલ્પ લીધો. ગુજરાત બેઠા હિમાલયનું આરોહણ, જાણે !
પોતાની નાની વયથી જ ભિક્ષુજીના પરિચયમાં આવેલા વૈદ્ય બહરૂદીન રાણપુરીએ એ દિવસોનો એક પ્રસંગ, સ્વામીજી પાસેથી સાંભળેલો, નોંધ્યો છે : મુંબઈમાં નાથીમાં ભાટિયા, ગર્ભશ્રીમંત, સાધુવત્સલ એકવાર એમને બંગલે અખંડાનંદ ગયા, પણ ભાણા પરથી ઉભા થઈ ગયા. નાથીમા પાછળ ગયા પૂછ્યું, “બાપજી, શું વાકું પડયું ?” ના, મા” સ્વામીજીએ કહ્યુ, “જમવાનું મન થતુ નથી. બાઈબલ સસ્તુ મળે, કુરાન સસ્તુ મળે, એક ગીતા જ મોંઘી મળે. મારે બે આનામાં ગીતા આપવી છે. હજારની મૂડી ઉછીની જોઈએ છે. પછી આપી જઈશ.’ નાથીમાનુ હજાર રૂપિયા આપ્યા. જમાડયા. પછી કહ્યુ, “રૂપિયા પાછા નથી જોઈતા. આપને ઠીક લાગે તે સારા કામમાં વાપરી નાખજો.”
એકાદશ સ્કંધ છ આનામાં, ને ગીતા બે આનામાં ! પછી તો, ધર્મગ્રંથોની ને વિવિધ વાંચનની વણથંભી પરંપરા ચાલી. દરમ્યાનમાં, ત્રણેક વરસ બાદ મુદ્રણ ને બાઈન્ડિંગ વગેરેની વિશેષ અનુકૂળતા માટે કાર્યાલય મુંબઈથી અમદાવાદ ખસેડયું અને ભદ્ર પાસે એક પતરાના છાપરા તળે ભિક્ષુએ બરાબરની ધૂણી ધખાવી. પછી એમનું પ્રકાશન કાર્ય એવું વિસ્તર્યુ ને વિકસ્યું એનો અંદાજ હિસાબ બદરૂદીન રાણપુરીની જ બીજી એક જાતસંભારણ પરથી મળી રહેશે:
બન્યુ એવું કે ગોરખપુરથી ચારધામ જાત્રા શરૂ થયેલ એમાં હનુમાનપ્રસાદ, પાાર, જયદલાલ ગોયન્કા અને ઘનશ્યામદાસ બિરલા પણ ખરા. જામનગરથી એમાં બદરૂદીન પણ જોડાઈ ગયા, અને એમને આ ત્રણે સાથે પરિચય થયો. ગીતા પ્રેસ, ગોરખપુર ત્યારે ગાજવા લાગેલું એટલે આ ત્રણેને પ્રકાશન પ્રવૃતિમાં પાકો રસ. એમણે બદરૂદીનને કહ્યું, “અમને પંદરવીસ દિવસ આપો.અમારી સાથે આવી ભિક્ષુ અખંડાનંદજીના દર્શન કરાવો. ભાષાનીયે મુશ્કેલી છે. તમારા જેવા દુભાષિયા સાથે હોય તો ગંગા નાહ્યાં.’
વળતાં ચારે અમદાવાદ પહોંચ્યાં. ઉતરીને ફોનથી ખબર આપ્યા ‘મળવા આવીએ છીએ.”
“જરૂર પધારો.”
સાથે ફુલના હાર, ફ્રુટ, મીઠાઈના કરંડીયા, ભિક્ષુજીને હાર પહેરાવાની ના પાડી- “હાર પહેરે એની હાર થાય !” માન ખાતર એક ગુલાબ લીધું, એક મીઠાઈનું બટકું લીધું; કેમ કે અતિથિનું અપમાન ન કરાય. ત્રણેયે બદરૂદીન મારફતે કહ્યું, “આપ ગુજરાતી ભાષાની જબરી સેવા કરો છો. આટલાં સસ્તાં પુસ્તકો બીજું કોણ આપી શકે? ભિક્ષજી કહે, “મોટા હંમેશા બીજાને જ મોટાઈ આપે. બાકી, હું સસ્તું આપું છું પણ ગીતા પ્રેસ જેટલું સસ્તું આપી શકતો નથી. હિંદી ભાષાનો વ્યાપ જબરો છે. સસ્તા સાહિત્ય કરતાં પણ ગીતા પ્રેસના પુસ્તકો અર્ધી કિંમતના હોય છે.’’
હનુમાનપ્રસાદ પોદ્દાર કહે, “અમે તો સંસ્થા શરૂ કરતાં પહેલાં તમારૂં સાહિત્ય મંગાવેલું. ભારતભરમાં સસ્તુ સાહિત્ય આપનાર તમે પહેલા સાધુ છો. અમને એમાંથી પ્રેરણા મળી છે.’’
આગળ ચાલતાં ભિક્ષુ અખંડાનંદનો દેહ જયારે રોગમાં સપડાયો અને દેહાવસનના ભણકારા વાગવા લાગ્યા તેમણે એક તબક્કે સંસ્થાને લોકહિતાર્થે સમેટી લેવા વિચાર્યુ અને એ આશયથી એમણે પુસ્તકો ખૂબ જ સસ્તાં કરી નાખ્યાં ને પુષ્કળ પ્રમાણમાં છપાવ્યા; પરંતુ કુદરતના રાજયમાં જેમ અનાજના એક કણમાંથી સહસ્ત્ર કણ થાય છે તેમ સંસ્થા ઓર વિકસવા લાગી. બીજી બાજુ, ભિક્ષુજીના વિચારથી ગુજરાતના જે જાગ્રત જનોને સારો એવો આંચકો લાગેલો હતો, તેઓ એમને વિનંતી કરતાં હતાં કે સંસ્થાને સમેટી ન લેતાં સુયોગ્ય હાથોમાં એનું વિકાસકાર્ય ભળાવો.
ભિક્ષુ અખંડાનંદની નજર આ સંદર્ભમાં જાહેર બાબતોને સમર્પિત વ્યકિતત્વ ધરાવતાં અર્થશાસ્ત્રી શ્રી મનુ સૂબેદાર પર ઠરી. શ્રી સૂબેદારે જવાબદારી સ્વીકારી અને ટ્રસ્ટીમંડળ રચી સંસ્થાને જીવંત રાખવા ને વિકાસશીલ બનાવવાનાં કદમ વિચાર્યા, જેમાં એકબાજુથી ભિક્ષુજીની ભાવના અને બીજીબાજુથી વર્તમાનયુગની જરૂરિયાત, બન્નેનો મેળ મળી શકે તે રીતે સંસ્થાનાં પ્રકાશનોમાં પરિવર્તન આણવાનોયે સમાવેશ થતો હતો.
ભિક્ષુજીના દેહોત્સર્ગ પછી ૧૯૪૨ થી શ્રી મનુ સૂબેદારના વડપણ હેઠળના જાહેર ટ્રસ્ટે (સસ્તુ સાહિત્ય મુદ્રણાલય સ્ટ) સંસ્થાનો વહીવટ સંભાળી લીધો. ૧૯૪૨ થી ૧૯૬૦ સુધી ટ્રસ્ટીમંડળના પ્રમુખપદે શ્રી મનુ સૂબેદાર રહ્યાં અને ત્યારપછી તેમના નિમંત્રણથી આ પૂર્વે ટ્રસ્ટ સાથે એક ટ્રસ્ટી તરીકે જોડાઈ ચૂકેલા શ્રી એચ.એમ.પટેલે સંસ્થાને નેતૃત્વ આપ્યું.
ભિક્ષુ અખંડાનંદે શ્રીમદ્ ભગવદ્ગીતા, મહાભારત, યોગવસિષ્ઠ, દશમ સ્કંધ, વાલ્મીકિ રામાયણથી માંડીને સ્વામી રામતીર્થના સદુપદેશ (નવ ભાગ), સ્વામી રામતીર્થ (તેર ભાગ), રામકૃષ્ણ કથામૃત (બે ભાગ) વગેરે ધર્મસાહિત્ય સુલભ કરવા વીર દુર્ગાદાસ, નેપોલિયન બોનાપાર્ટ, આનંદીભાઈ જોશી, બૂકર ટી, વૉશિંગ્ટન, જૉન ઑફ આર્ક, રાજા રામમોહન રાય, સમ્રાટ અકબર, છત્રપતિ શિવાજી, મહાત્મા ટૉલસ્ટોય તેમજ બુધ્ધચરિત્ર ને રવીન્દ્રનાથનાં સંસ્મરણો જેવું ચરિત્ર સાહિત્ય પણ લોકસુલભ કર્યુ હતું. જીવનઘડતરની દૃષ્ટિએ પ્રભુમય જીવન (રાલ્ફ વાલ્ડો ટ્રાઈન), આગળ ધસો (સ્વેટ મોડર્ન) તેમજ અમૃતલાલ પઢીયારની સ્વર્ગ શ્રેણી, આયુર્વેદ નિંબધમાળા (બે ભાગ) અને ખાસ તો આર્યભિષક સરખું આરોગ્યસાહિત્ય તથા બંકિમ નિંબધમાળાથી માંડીને કાશ્મીરનો પ્રવાસ (કલાપી) અને સત્યાગ્રહ ને અસહકારનાયે વિષયોનો એમને હસ્તક થયેલા પ્રકાશનોમાં સમાવેશ થાય છે. જોઈ શકાશે કે ધર્મસાહિત્ય સર્વસુલભ બને એ મૂળ ચાલનાએ આમ એમના આયુષ્કાળમાં જ વ્યાપક જીવનમંથન તરફ વળવા માંડયું હતું.
૧૯૪૨ થી ૧૯૯૨ લગીનાં જે પચાસ વરસ સંસ્થાએ અનુક્રમે શ્રી મનુ સૂબેદાર અને શ્રી એચ.એમ. પટેલના નેતૃત્વમાં કામ કર્યુ તેમાં આ પ્રકાશનો પૈકી પુર્નમુદ્રણનો દોર જારી રાખવા ઉપરાંત વિવિધ ઉપનિષદો, પાતંજલ યોગસૂત્ર, રામચરિતમાનકોશ, હરિવંશ આદિ નાનાવિધ ધર્મસાહિત્ય પણ સુલભ થતું ચાલ્યું. કબીર, મીરાં, નરસિંહ આદિનું પદસાહિત્ય તેમજ આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગહૃદય, ભાવપ્રકાશ, શારંગધર, ચરકસંહિતા, માધવનિદાન, યોગરત્નાકર, સુશ્રુત જેવા પાયાના પ્રાચીન ગ્રંથોથી માંડીને વનસ્પતિ વર્ણન (જયકૃષ્ણ ઈન્દ્રજી) વનસ્પતિવર્ણન-પ્રવેશ (બાપાલાલ વૈદ્ય) સરખું નવસાહિત્ય પણ આ જ સમયમાં આવ્યું. જેને સામાજિક ને નાગરિક જાગૃતિ કહી શકાય એવા ક્ષેત્રોમાં પણ પ્રકાશનો થવાં લાગ્યાં – જેમ કે, હિંદનાં આર્થિક વિકાસની યોજના (બૉમ્બે પ્લાન), અર્થતંત્રની આંટીઘૂંટી (મનુ સૂબેદાર), સ્વરાજયની લડતના તે દિવસો (મહાવીર ત્યાગી), આપણે ફરી ન વિચારીએ ? (ગુણવંતરાય આચાર્ય), પટલાઈના પેચ (ઈશ્વરપેટલીકર) વગેરે.
શ્રી એચ.એમ.પટેલના અવસાન પછી શ્રી આનંદભાઈ અમીને વર્ષો સુધી સંસ્થાનું સુકાન સંભાળી અને જાન્યુઆરી-૨૦૨૦ સુધી સંસ્થાના પ્રમુખપદે રહ્યાં.
ગુજરાતના ખૂણે ખાંચરે-ઠેકઠેકાણે પડેલો સહજ સદ્ભાવ સસ્તુ સાહિત્યને બળ પૂરતો રહ્યો છે. પરિણામે મહાભારત સરખા મહત્ત્વાકાંક્ષી પ્રકાશન ઉપરાંત અત્યારે નાનાં મોટાં ઘણાં બધાં પ્રકાશનો સુલભ । કરી શકાયાં છે, અને બીજા અન્ય ઘણાં પ્રકાશનો હવે પછી તરતમાં બહાર મૂકવાની ગણતરી છે. ઉપરાંત ગીતા (ગુટકો) એ સંસ્થાનું સતત છપાતું રહેતું પ્રકાશન છે. સંયમિત અંદાજ પ્રમાણે પણ એ ગુજરાતના સહેજે દસેક લાખ થી વધુ કુટુંબો સુધી પહોંચી હશે.
શ્રી પ્રકાશ ન. શાહ, હર્ષદભાઈ શાહ, પરેશભાઈ અમીન, પ્રશાંતભાઈ અમીનનું બનેલું ટ્રસ્ટીમંડળ અત્યારસુધીની પ્રણાલીઓ મુજબનું સાહિત્ય સર્વસુલભ રાખવા સાથે હવે પછી પહેલી અનુકૂળતાએ નવાં પ્રકાશનો પણ હાથ ધરવા માંગે છે. ખાસ તો, વિવિધ વિષયોના કહી શકાય તેવા નવા વિકસતા વિષયો તેમજ ભારત અને વિશ્વની વિવિધ ભાષાઓનું પ્રશિષ્ટ સાહિત્ય બૃહદ ગુજરાતની ઉછરતી પેઢીના હાથમાં મૂકવાનું સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટનું સ્વપ્ર ને સંકલ્પ છે.
સમૂહ માધ્યમોના ઉછાળા સાથે, ખાસ તો ટીવીના સંદર્ભમાં, મુદ્રિત ટકી શકશે કે કેમ એવી ફાળ ગયા દસકામાં યુરોપ-અમેરિકામાં પડી હતી. પણ ચાલુ દસકાનો ત્યાંનો અનુભવ દર્શાવે છે તેમ મુદ્રિત શબ્દનો એટલે કે ગ્રંથસ્થ સાહિત્યનો મહિમા ને મહત્ત્વ ઘટયાં નથી. નવા જમાનાના પ્રવાહોમાં, ટેકનોટ્રોનિક તનાવમાં, ભારતને ગુજરાત પણ ઘસડાયાં છે એ સાચું : પરંતુ પલટાતા જમાનાને સમજવા ને પચાવવા માટે પણ નવી પેઢીઓને છેવટે તો ચકાચૌધ કરી મેલતી ટીવી સૃષ્ટિથી સહેજ હઠીને સ્થાયી મૂલ્યવત્તાવાળાં પુસ્તકોની સોબત પણ કેળવવી જોઈશે. સંસ્કૃત સાહિત્યમાં કહ્યું છે કે સંસારની વિષવેલી પર બે જ અમૃતફળો બેસે છે ઃ સારા માણસોનો સંગ ને પુસ્તકોની મૈત્રી… નવગુજરાતની આવી વાંચન-અને-મૈત્રી-ભૂખ ભાંગવાના અમૃતકાર્યમાં હાથ બટાવતે સદીનો જુમલો
કરવો, એ સસ્તુ સાહિત્યની હોંશ, ઉમેદ ને નેમ છે.